વિશેષ શૃંખલા પાયાનો અભ્યાસ: પ્રસ્તુત શોધનિબંધ તસવ્વુફ અને નક્ષબંદી મુજદ્દિદી આધ્યાત્મિક દર્શન પર આધારિત વિશેષ શ્રેણી ‘મુરાકબાતે મુજદ્દિદિયા (આધ્યાત્મિક સાધનાના ૧૪ મુકામ)’ નો અનિવાર્ય પ્રાયોગિક પાયો છે.
સિલસિલા-એ-આલિયા નક્ષબંદિયા મુજદ્દિદિયાના નિયમ મુજબ, ઇમામ રબ્બાની મુજદ્દિદ અલ્ફેસાની શેખ અહમદ સરહિંદી (રહમતુલ્લાહ અલયહિ) ના ૧૪ ઉચ્ચ મુરાકબાઓમાં પ્રવેશતા પહેલાં મુરાકબાની સૈદ્ધાંતિક વિભાવના સમજવી અને હૃદયના આંતરિક કેન્દ્રોને સક્રિય કરવા અનિવાર્ય છે. જો આપે આ શ્રેણીનો પ્રારંભિક લેખ ન વાંચ્યો હોય, તો પહેલાં આ પાયાનો લેખ અવશ્ય વાંચો:👉મુરાકબા શું છે? નક્ષબંદી ધ્યાન પદ્ધતિ, નિયમો અને ધ્યાનની તુલના

જ્યારે સાધક મુરાકબાના સિદ્ધાંતો સમજી લે છે, ત્યારે તેની સામે વ્યવહારિક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આ ધ્યાન કયા આધ્યાત્મિક કેન્દ્રો પર લગાવવું? ઇસ્લામિક અધ્યાત્મશાસ્ત્ર (તસવ્વુફ) માં માનવ અસ્તિત્વની ભીતર છુપાયેલા આ સૂક્ષ્મ આધ્યાત્મિક કેન્દ્રોને ‘લતાઇફ’(ચક્ર) (Lataif – એકવચન: લતીફા) કહેવામાં આવે છે. જ્યાં સુધી આ કેન્દ્રો સંસારના કચરામાંથી મુક્ત થઈને ઈશ્વરીય નૂરથી ધબકતા ન થાય, ત્યાં સુધી મુરાકબાના ઉચ્ચ મુકામાત સર થઈ શકતા નથી.
૧. લતાઇફની તાત્વિક વિભાવના: આલમે ખલ્ક અને આલમે અમ્ર
ઇસ્લામિક બ્રહ્માંડવિજ્ઞાન (Cosmology) અને કુરાની દર્શનશાસ્ત્ર મુજબ સમગ્ર અસ્તિત્વ બે મહાન આલમ (જગત) માં વિભાજિત છે:
| બ્રહ્માંડ અને માનવ અસ્તિત્વનું દ્વિમુખી માળખું | ||
|---|---|---|
| ક્રમ | વિભાગ / સ્તર | વિગત / સ્વરૂપ |
| ૧ | આલમે ખલ્ક (ભૌતિક જગત) | સમય, પદાર્થ અને આકાર (૪ તત્વો + નફ્સ) |
| ૨ | આલમે અમ્ર (આધ્યાત્મિક જગત) | અલ્લાહના આદેશ ‘કુન’ થી સર્જાયેલ (૫ લતાઇફ) |
- ૧. આલમે ખલ્ક (The World of Creation): આ તે ભૌતિક જગત છે જેનું સર્જન સમય, સ્થાન, પદાર્થ અને ક્રમિક વિકાસ (તદરીજ) ના નિયમો હેઠળ થયું છે. આપણું સ્થૂળ શરીર, હાડકાં, માંસ અને પૃથ્વીના ચાર મૂળ તત્વો (અનાસિરે અરબઆ: માટી, પાણી, અગ્નિ, વાયુ) તેમજ આપણી જ્ઞાનેન્દ્રિયો અને શારીરિક અંગો (જવારેહ) આ જગત સાથે સંબંધ ધરાવે છે.
- ૨. આલમે અમ્ર (The World of Divine Command): આ તે અત્યંત પવિત્ર, શુદ્ધ અને સૂક્ષ્મ આધ્યાત્મિક જગત છે જે ભૌતિક પદાર્થ, વજન, સમય કે આકારની તમામ મર્યાદાઓથી સંપૂર્ણ પર છે. આ જગતનું સર્જન અલ્લાહ સુબહાનહુ વ તઆલાના એકમાત્ર સર્વોચ્ચ આદેશ ‘કુન’ (થઈ જા) દ્વારા કોઈ પણ ભૌતિક માધ્યમ વગર ક્ષણાર્ધમાં થયું છે.
પવિત્ર કુરઆનમાં અલ્લાહ તઆલા આ બંને વિશ્વો તરફ સ્પષ્ટ સંકેત કરતાં ફરમાવે છે:
“અલા લહુલ ખલ્કુ વલ-અમ્ર, તબારકલ્લાહુ રબ્બુલ આલમીન” અર્થાત્: “સાવધાન રહો! સર્જન કરવું (આલમે ખલ્ક) અને આદેશ આપવો (આલમે અમ્ર) એ બંને માત્ર તેના જ અધિકારમાં છે; અત્યંત બરકતવાળો છે અલ્લાહ, જે સમગ્ર બ્રહ્માંડનો પાલનહાર છે.” (સૂરહ અલ-અઅરાફ: ૫૪)
માનવ આત્મા (રૂહ) ના આલમે અમ્ર સાથેના સંબંધની પુષ્ટિ કરતાં કુરઆને પાકમાં અન્ય સ્થાને ફરમાવાયું:
“વ-યસ્અલૂનકા અનિર-રૂહ, કુલિર-રૂહુ મિન અમ્રિ રબ્બી વમા ઊતીતુમ મિનલ ઇલ્મિ ઇલ્લા કલીલા” અર્થાત્: “અને તેઓ તમને રૂહ (આત્મા) વિશે સવાલ કરે છે; કહી દો કે રૂહ મારા રબના અમ્ર (આદેશ) માંથી છે, અને તમને જે જ્ઞાન આપવામાં આવ્યું છે તે અત્યંત અલ્પ છે.” (સૂરહ અલ-ઇસ્રા: ૮૫)
માનવજાતને તમામ સૃષ્ટિમાં સર્વોચ્ચ દરજ્જો (અશરફુલ મખ્લૂકાત) એટલા માટે પ્રાપ્ત થયો છે કારણ કે માનવીનું નિર્માણ આ બંને જગતોના અદ્ભુત સમન્વયથી થયું છે. માનવ અસ્તિત્વમાં કુલ દસ લતીફાઓ સમાયેલા છે:
- પાંચ લતાઇફ આલમે અમ્રના: કલબ, રૂહ, સિર્ર, ખફી અને અખ્ફા (જેને લતાઇફે ખમ્સા કહેવાય છે).
- પાંચ લતાઇફ આલમે ખલ્કના: નફ્સ (અહંકાર) અને ચાર મૂળ ભૌતિક તત્વો (માટી, પાણી, અગ્નિ, પવન).
જ્યારે પરવરદિગારે આત્માઓને ભૌતિક પિંજરમાં ઉતાર્યા, ત્યારે આ પાંચેય આકાશી અને નૂરાની લતાઇફ માનવ શરીરમાં કેદ થઈ ગયા. સંસારના નશ્વર આકર્ષણો, શારીરિક લાલસાઓ અને ગુનાઓના અંધકારને કારણે આ દૈવી કેન્દ્રો પર કાળો કાટ ચડી ગયો અને તેઓ પોતાના મૂળ આધ્યાત્મિક વતનને વિસરીને ગફલતની ઊંડી નિંદ્રામાં પોઢી ગયા. નક્ષબંદી મુજદ્દિદી સાધનાનું પ્રાથમિક કાર્ય ઝિક્ર અને મુજાહદાની આધ્યાત્મિક અગ્નિ દ્વારા આ કાટને બાળીને લતાઇફને પુનઃ સચેત કરવાનું છે.
૨. નક્ષબંદી સિલસિલાની પદ્ધતિ: શરૂઆત કલબથી કેમ? (એક સુવ્યવસ્થિત વ્યૂહરચના)
ઇસ્લામિક તસવ્વુફના મુખ્ય ચાર સિલસિલાઓ (કાદિરિયા, ચિશ્તિયા, સોહરવર્દિયા અને નક્ષબંદિયા) માં આંતરિક શુદ્ધિકરણ માટે વિવિધ રસ્તાઓ અપનાવવામાં આવ્યા છે.
અન્ય સિલસિલાઓમાં સાધનાની શરૂઆત સામાન્ય રીતે નીચેથી ઉપર તરફ થાય છે—એટલે કે આલમે ખલ્કથી. સાધકને વર્ષો સુધી કઠોર શારીરિક ઉપવાસ, ભૂખ-તરસ સહન કરવી, ઓછું ઊંઘવું (સહર), ઓછું બોલવું (સમત્) અને લોકોથી અલગ થઈને ચિલ્લાકશી (એકાંતવાસ) જેવા ભારે મુજાહદા દ્વારા જ્ઞાનેન્દ્રિયો (હવાસ) અને શારીરિક અંગો (જવારેહ) ને કાબૂમાં લેવાની તાલીમ અપાય છે. જ્યારે વર્ષોની કઠોર મહેનત પછી નફ્સ અને ઇન્દ્રિયો કાબૂમાં આવે છે, ત્યારે સાધકનું ધ્યાન રૂહ તરફ વાળવામાં આવે છે. આ માર્ગ અત્યંત કઠિન, લાંબો અને આજના નબળા યુગના માનવી માટે અત્યંત દુષ્કર છે; વળી તેમાં નફ્સ ઘણીવાર ગુપ્ત અહંકાર (હું મોટો તપસ્વી છું) નું રૂપ ધારણ કરી લે છે.
તેનાથી વિપરીત, સિલસિલા-એ-આલિયા નક્ષબંદિયા મુજદ્દિદિયાની પદ્ધતિ તદ્દન ક્રાંતિકારી અને સરળ છે. આ પરંપરાનો વિશ્વપ્રસિદ્ધ આધ્યાત્મિક નિયમ છે:
“બિદાયતુના નિહાયતુલ આખરીન” અર્થાત્: “અમારી સાધનાનો પ્રારંભ ત્યાંથી થાય છે જ્યાં અન્ય પરંપરાઓની સાધનાનો અંત આવે છે.”
નક્ષબંદી મુર્શિદો સાધકને શરૂઆતમાં જ શારીરિક મુજાહદાઓમાં ગૂંચવવાને બદલે સીધા જ આલમે અમ્રના પ્રથમ કેન્દ્ર એટલે કે ‘લતીફા-એ-કલબ’ પર પોતાની આધ્યાત્મિક તવજ્જોહ (Spiritual Energy) મૂકે છે.
આ કોઈ શોર્ટકટ કે મનોરંજન નથી, પરંતુ એક ઉચ્ચ મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક વ્યૂહરચના છે: માનવ શરીર એક વિશાળ કિલ્લા જેવું છે. કલબ અને રૂહ આ કિલ્લાના અસલ શાસકો છે, જ્યારે નફ્સ અને જ્ઞાનેન્દ્રિયો તેના સેવકો અને પ્રજા છે. નક્ષબંદી વડીલો વિદ્રોહી સેવક (નફ્સ) સાથે સીધી લડાઈ લડીને શક્તિ વેડફવાને બદલે સીધા જ બંધક બનેલા રાજા (કલબ) ને અલ્નૂલાહના નૂર અને મુર્શિદની તવજ્જોહથી મુક્ત અને શક્તિશાળી બનાવે છે. જ્યારે કલબ અને આલમે અમ્રના કેન્દ્રો પૂર્ણ બળવાન બની જાય છે, ત્યારે નફ્સ અને ઇન્દ્રિયો કોઈ પણ લાંબી હિંસક લડાઈ વગર આપોઆપ ખુદા અને તેના રસૂલ ﷺ ના આદેશો સામે શરણાગતિ સ્વીકારી લે છે.
૩. માત્ર ઝિક્ર નહીં: ઇલ્મ, તૌબા, વરઅ અને મુજાહદાનું અનિવાર્ય જોડાણ
અહીં એક પાયાનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે: શું માત્ર જીભથી કે દિલમાં “અલ્લાહ-અલ્લાહ” નો જાપ કરવાથી અને મુરાકબામાં બેસી જવાથી અહમ્ (હું-પણું), કર્તાભાવ (Doership) અને ગફલત નાબૂદ થઈ શકે? શું માત્ર ઝિક્ર કરવાથી આળસ અને હલાલ ભોગવિલાસની લાલસા આપોઆપ મરી જાય?
ઇમામ રબ્બાની મુજદ્દિદ અલ્ફેસાની (રહમતુલ્લાહ અલયહિ) આ ભ્રમણાનું મૂળમાંથી ખંડન કરે છે. મક્તૂબાત શરીફ માં તેઓ વારંવાર સ્પષ્ટ કરે છે કે સુલૂક ક્યારેય માત્ર અમૂર્ત ધ્યાનની કવાયત નથી. સાચા નક્ષબંદી સુલૂક માટે નીચે મુજબના આધારસ્તંભો ઝિક્રની સાથે અનિવાર્ય છે:
- ૧. ઇલ્મ અને ઇત્તેબા-એ-શરીઅત: શરીઅત અને ફિકહના જ્ઞાન વગરનો ઝિક્ર સાધકને ગુમરાહી તરફ દોરી જાય છે. હઝરત મુહમ્મદ મુસ્તફા ﷺ ની સુન્નતનું ચુસ્ત પાલન એ જ સુલૂકનો પ્રાણ છે.
- ૨. સચ્ચી તૌબા અને ઇનાબત: પાપોથી મુક્ત થયા વગર અને અલ્લાહ તરફ સંપૂર્ણ વળ્યા (ઇનાબત) વગર લતાઇફ પર નૂર ટકી શકતું નથી.
- ૩. વરઅ (Taqwa/Scrupulousness) અને ઝુહ્દ: હરામથી બચવું એ તો પ્રાથમિક ફરજ છે, પરંતુ શંકાસ્પદ (મુશ્તબહ) વસ્તુઓથી પણ બચવું તેને ‘વરઅ’ કહેવાય છે. ઝિક્ર કરનાર વ્યક્તિ જો પેટમાં શંકાસ્પદ કોળિયો નાખશે, તો તેનો ઝિક્ર પથ્થર પર પડેલા વરસાદ જેવો નિરર્થક સાબિત થશે.
- ૪. કસ્રે શહવત (વાસનાનું સભાન નિયંત્રણ): અન્ન હલાલ હોવા છતાં સ્વાદિષ્ટ ભોજનમાં ગળાડૂબ રહેવું, માત્ર શરીરને આરામ આપવો અને આળસમાં પડ્યા રહેવું એ નફ્સનો ખોરાક છે. સાધકે સભાનપણે ભોજનમાં મધ્યમતા (કિલ્લતે તઆમ) અને આળસ સામે સતત સક્રિયતા (મુજાહદો) કેળવવી પડે છે. ઝિક્ર સાધકને રૂહાની શક્તિ (તૌફીક) આપે છે, પરંતુ વાસના સામે લગામ સાધકે પોતે ખેંચવી પડે છે.
- ૫. ઇખ્લાસ અને કર્તાભાવનું વિસર્જન: સાધક નમાઝ, રોઝા કે ઝિક્ર કરે ત્યારે તેણે અંદરથી એ અહેસાસ કેળવવો પડે છે કે “આ મારું સામર્થ્ય નથી, પરંતુ કેવળ અલ્લાહની તૌફીક છે.” જ્યારે કર્તાભાવ (Doership) તૂટે છે, ત્યારે જ અહમ્ શૂન્ય થાય છે.
૪. લતાઇફે ખમ્સાનું તુલનાત્મક શાસ્ત્રીય કોષ્ટક
ઈમામ રબ્બાની શેખ અહમદ સરહિંદી (રહમતુલ્લાહ અલયહિ) એ મક્તૂબાત શરીફ (દફ્તર ૧, મક્તૂબ ૨૬૦) માં લતાઇફના સ્થાનો, પ્રગટ થતા દિવ્ય અનવાર (રંગો) અને અંબિયા-એ-કિરામ(અલૈહિસ્સલામ) ના આધ્યાત્મિક વારસાનું અત્યંત ઝીણવટભર્યું વર્ણન કર્યું છે:
| લતીફાનું નામ | ચોક્કસ શારીરિક સ્થાન | દિવ્ય નૂરનો રંગ | સંબંધિત પયગંબરી કદમ | અંતર્ગત માનસિક/નફ્સાની પડદા | શુદ્ધિકરણ પછીનું આંતરિક પરિણામ |
|---|---|---|---|---|---|
| ૧. લતીફા-એ-કલબ | ડાબી છાતીની ડીંટડીથી બે આંગળ નીચે (હૃદય તરફ) | પીળો (Yellow) | હઝરત આદમ (અલૈહિસ્સલામ) | દુનિયાનો મોહ અને સંસારી આસક્તિ | ઇશ્કે ઇલાહી (દૈવી પ્રેમ) નો પ્રારંભ |
| ૨. લતીફા-એ-રૂહ | જમણી છાતીની ડીંટડીથી બે આંગળ નીચે | લાલ (Red) | હઝરત નૂહ (અલૈહિસ્સલામ)અને હઝરત ઇબ્રાહીમ (અલૈહિસ્સલામ) | ક્રોધ, અધીરાઈ અને આવેગ (નફ્સજન્ય) | પરમ શાંતિ, શીતળતા અને ઈશ-સંતોષ |
| ૩. લતીફા-એ-સિર્ર | ડાબી છાતીની ડીંટડીથી બે આંગળ ઉપર | સફેદ (Pure White) | હઝરત મૂસા (અલૈહિસ્સલામ) | લોભ, અહંકાર અને સ્વાર્થના પડદા | ગૂઢ દૈવી રહસ્યોનું દર્શન (કશફ) |
| ૪. લતીફા-એ-ખફી | જમણી છાતીની ડીંટડીથી બે આંગળ ઉપર | કાળો મોતી (Black/Pearl) | હઝરત ઈસા (અલૈહિસ્સલામ) | છૂપી રિયાકારી (ધાર્મિક દેખાડો) | દૈવી નિકટતા અને અસ્તિત્વનું વિસર્જન |
| ૫. લતીફા-એ-અખ્ફા | છાતીની બિલકુલ મધ્યમાં (સેન્ટર) | લીલો / બે-રંગ (Green/Colorless) | હઝરત મુહમ્મદ મુસ્તફા ﷺ | ‘હું’ પણું (અસ્તિત્વ અને કર્તાભાવ) | પૂર્ણ ફના, બકા અને અહદિયતનો માર્ગ |
૫. લતાઇફે ખમ્સાનું વિસ્તૃત શાસ્ત્રીય અને રુહાની વિશ્લેષણ
માનવ અંતરંગમાં રહેલા આ પાંચ કેન્દ્રો માત્ર કાલ્પનિક બિંદુઓ નથી, પરંતુ આલમે અમ્રના પ્રકાશપુંજ છે. પ્રત્યેક લતીફાનું સ્વરૂપ નીચે મુજબ છે:
૧. લતીફા-એ-કલબ (The Heart Centre)
- શારીરિક સ્થાન: ડાબી છાતીની ડીંટડીથી બે આંગળ નીચે, પાંસળી તરફ. આ ભૌતિક હૃદય (સનોબરી દિલ) સાથે જોડાયેલું સૂક્ષ્મ આધ્યાત્મિક કેન્દ્ર છે.
- નૂર અને વિલાયત: તેનો રંગ પીળો છે. તે તમામ લતાઇફનું પ્રવેશદ્વાર છે અને તેના પર માનવજાતના પિતા હઝરત આદમ(અલૈહિસ્સલામ)ના કદમની વિલાયત છે.
- તાત્વિક પરિવર્તન: હદીસ શરીફમાં પયગંબર ﷺ એ ફરમાવ્યું: “જાણી લો! શરીરમાં માંસનો એક ટુકડો છે; જો તે સુધરી જાય તો સમગ્ર શરીર સુધરી જાય છે, અને જો તે બગડી જાય તો સમગ્ર શરીર બગડી જાય છે—અને તે કલબ છે.” (સહીહ બુખારી). અશુદ્ધ સ્થિતિમાં કલબ સંસારના ક્ષુલ્લક વિચારો અને વાસનાઓમાં જકડાયેલું હોય છે. જ્યારે મુર્શિદની તવજ્જોહથી અહીં “અલ્લાહ-અલ્લાહ” નો ઝિક્ર શરૂ થાય છે, ત્યારે દુનિયાનો નશ્વર મોહ ખરી પડે છે અને હૃદયમાં વાસ્તવિક ઈશ્ઈક-એ-ઈલાહી(ઈશ-પ્રેમ)નો દીવો પ્રગટે છે.
૨. લતીફા-એ-રૂહ (The Spirit Centre)
- શારીરિક સ્થાન: જમણી છાતીની ડીંટડીથી બે આંગળ નીચે.
- નૂર અને વિલાયત: તેનો દિવ્ય પ્રકાશ લાલ રંગનો છે. આ કેન્દ્ર હઝરત નૂહ(અલૈહિસ્સલામ)અને હઝરત ઇબ્રાહીમ ખલીલુલ્લાહ(અલૈહિસ્સલામ)ના આધ્યાત્મિક કદમ મુબારક હેઠળ છે.
- રૂહની પવિત્રતા અને મુક્તિ: અહીં એ સ્પષ્ટતા અત્યંત જરૂરી છે કે રૂહ પોતે ક્યારેય બીમાર થતી નથી. રૂહ અલ્લાહના આદેશમાંથી ઉતરેલું અમૃત છે. પરંતુ જ્યારે તે માટીના પિંજરમાં પ્રવેશે છે, ત્યારે નફ્સ અને પ્રકૃતિ (તબીઅત) ના રોગો—જેવા કે અંધાધૂંધ ક્રોધ, બદલો લેવાની ભાવના, અધીરાઈ અને આવેગ—રૂહ પર કાળો પડદો (હિજાબ) નાખી તેને બંધક બનાવી દે છે. લતીફા-એ-રૂહના શુદ્ધિકરણનો અર્થ એ છે કે રૂહ નફ્સની ગુલામીમાંથી મુક્ત થાય છે. પરિણામે સાધકના સ્વભાવમાં શીતળતા, સંતોષ અને અલ્લાહના દરેક ફેંસલા પર ‘રાઝી બ-રઝા’ રહેવાની રૂહાની શાંતિ પ્રવેશે છે.
૩. લતીફા-એ-સિર્ર (The Secret Centre)
- શારીરિક સ્થાન: ડાબી છાતીની ડીંટડીથી બે આંગળ ઉપર.
- નૂર અને વિલાયત: આ કેન્દ્રનો પ્રકાશ શુદ્ધ સફેદ (શ્વેત નૂર) છે. આ કેન્દ્ર હઝરત મૂસા કલીમુલ્લાહ(અલૈહિસ્સલામ) ના આધ્યાત્મિક પ્રભાવ નીચે છે.
- તાત્વિક પરિવર્તન: ‘સિર્ર’ નો શાબ્દિક અર્થ ‘ગૂઢ રહસ્ય’ થાય છે. આ કેન્દ્ર અંતઃકરણનું અત્યંત ઊંડું સ્તર છે જ્યાં સાધક અને અલ્લાહ વચ્ચેનો ગુપ્ત સંવાદ સ્થપાય છે. જ્યાં સુધી સાધકમાં સ્થૂળ અહમ્ અને કર્તાભાવ હાવી હોય, ત્યાં સુધી તે સિર્રના વાસ્તવિક સુકૂન (અલ-સકીના) સુધી પહોંચી શકતો નથી. આ કેન્દ્ર ખુલતાં જ સાધક પર બ્રહ્માંડના સૂક્ષ્મ ભેદો અને અલ્લાહની સિફાત (દૈવી ગુણો) ના નૂર પ્રગટ થાય છે.
૪. લતીફા-એ-ખફી (The Hidden Centre)
- શારીરિક સ્થાન: જમણી છાતીની ડીંટડીથી બે આંગળ ઉપર.
- નૂર અને વિલાયત: તેનો પ્રકાશ ચમકતા કાળા મોતી જેવો ગંભીર છે.
- આ કેન્દ્ર હઝરત ઈસા રુહુલ્લાહ(અલૈહિસ્સલામ) ના કદમ મુબારક હેઠળ છે.
- તાત્વિક પરિવર્તન: ‘ખફી’ એટલે અતિ ગુપ્ત. આ કેન્દ્ર માનવ મનના સૌથી કપટી રોગ—’છૂપી રિયાકારી’ (લોકોમાં નેક દેખાવાની અને પોતાની ઇબાદત પર ગર્વ કરવાની વૃત્તિ)—ને મૂળમાંથી બાળી નાખે છે. અહીં સાધકને દૈવી નિકટતા (કુરબ) નો એવો ગહન અનુભવ થાય છે કે તે પોતાની સીમાઓ ભૂલીને માત્ર અલ્લાહના અસ્તિત્વની હાજરી અનુભવે છે.
૫. લતીફા-એ-અખ્ફા (The Most Hidden / Deepest Centre)
- શારીરિક સ્થાન: છાતીની બિલકુલ મધ્યમાં (Center of the Chest).
- નૂર અને વિલાયત: આ સર્વોચ્ચ કેન્દ્રનો પ્રકાશ નીલમ(emrald) જેવો લીલો અથવા સંપૂર્ણપણે બે-રંગ (પારદર્શક નૂર) છે. આ કેન્દ્ર તમામ સૃષ્ટિના સરદાર હઝરત મુહમ્મદ મુસ્તફા ﷺ ના પવિત્ર કદમ મુબારક હેઠળ છે.
- તાત્વિક પરિવર્તન: આ આલમે અમ્રનું સર્વોચ્ચ શિખર છે. અહીં પહોંચીને સાધકનો ‘હું’ પણાનો ભ્રમ (અહંકાર) અને કર્તાભાવ સંપૂર્ણપણે ભસ્મીભૂત થઈ જાય છે. જેને તસવ્વુફમાં ‘ફના-ઉલ-ફના’ (અસ્તિત્વનું વિસર્જન પણ વિસર્જિત થઈ જવું) કહેવાય છે, તેનો દરવાજો અહીંથી ખુલે છે. આ કેન્દ્ર પૂર્ણપણે સક્રિય થયા બાદ જ સાધક ૧૪ મુરાકબાઓના પ્રથમ સોપાન એટલે કે ‘મુરાકબા-એ-અહદિયત’ માં સ્થિર થવાને યોગ્ય બને છે.
૬. આલમે ખલ્કના પાંચ લતાઇફ અને નફ્સની શુદ્ધિ (શા માટે પાછળથી?)
અહીં એક ગૂઢ પ્રશ્ન ઉદ્ભવે છે: જો નફ્સ જ તમામ બુરાઈઓનું મૂળ છે, તો નક્ષબંદી સુલૂકમાં આલમે અમ્રના પાંચ લતાઇફ પછી નફ્સનો વારો કેમ આવે છે? શું આ સુલૂકમાં રિવર્સ ગિયર જેવું નથી?
ઈમામ રબ્બાનીની ક્રાંતિકારી સ્પષ્ટતા: આ કોઈ રિવર્સ ગિયર નથી, પરંતુ એક અજોડ આધ્યાત્મિક ઘેરાબંધી (Strategic Encirclement) છે.
સામાન્ય પદ્ધતિમાં સાધક શરૂઆતથી જ નફ્સ સાથે એકલા હાથે લડવા જાય છે. પરિણામે નફ્સ વર્ષો સુધી થકવી નાખે છે અને છેવટે ધાર્મિક અહંકાર બનીને સાધકને મારી નાખે છે. નક્ષબંદી સિલસિલામાં મુર્શિદ સાધકના આલમે અમ્રના પાંચ અધિકારીઓ (કલબ, રૂહ, સિર્ર, ખફી, અખ્ફા) ને મુર્શિદની રુહાની તવજ્જોહ દ્વારા પહેલાં જાગૃત કરી, તેમને તેમના મૂળ ઉચ્ચ મુકામ પર પહોંચાડી દે છે.
જ્યારે આ પાંચેય આકાશી કેન્દ્રો અલ્લાહના પ્રકાશથી પૂર્ણ શક્તિશાળી બની જાય છે, ત્યારે આ પાંચેય કેન્દ્રોનું સંયુક્ત રૂહાની નૂર ઉપરથી નીચે ઉતરીને નફ્સને ચારેય તરફથી ઘેરી લે છે. નફ્સ સામે લાચારીથી લડવાને બદલે તેને ઉપરથી રૂહાની નૂરના સકંજામાં લઈને આત્મસમર્પણ કરવા મજબૂર કરવામાં આવે છે. આ રીતે:
- ૬. લતીફા-એ-નફ્સ (બંને ભ્રમરો વચ્ચે): વિદ્રોહી ‘અમ્મારા’ માંથી બદલાઈને પસ્તાવો કરનાર ‘લવ્વામા’ અને અંતે સંપૂર્ણ શરણાગત ‘નફ્સે મુત્મઇન્ના’ (સંતુષ્ટ આત્મા) બને છે.
- ૭ થી ૧૦. અનાસિરે અરબઆ (ચાર તત્વો):
- અગ્નિ (આતિશ): ક્રોધ અને વાસનામાંથી મુક્ત થઈ અલ્લાહના પ્રેમના ભડકામાં રૂપાંતરિત થાય છે.
- વાયુ (બાદ): અસ્થિરતા અને ઘમંડમાંથી મુક્ત થઈ અવિરત અલ્લાહના સ્મરણનું વાહક બને છે.
- જળ (આબ): લોહી અને પ્રવાહી પવિત્રતા અને રૂહાની જ્ઞાનનું ઝરણું બને છે.
- પૃથ્વી (ખાક): હાડકાં અને માંસ માટી જેવા પરમ નમ્ર (આજિઝ) બને છે.
૭. લતાઇફ પર ઝિક્ર કરવાની નક્ષબંદી પ્રાયોગિક વિધિ (Methodology)
નક્ષબંદી મુજદ્દિદી સિલસિલામાં મોટેથી બોલીને, શરીર હલાવીને કે વાજિંત્રો સાથે ઝિક્ર કરવાની સખત મનાઈ છે. અહીં સમગ્ર સાધના અત્યંત ગુપ્ત, મૌન અને શ્વાસોશ્વાસ સાથે જોડાયેલી છે, જેને ‘ઝિક્ર-એ-ખફી’ અથવા ‘પાસ-અન્ફાસ’ કહેવાય છે.
| નક્શબંદી પાસ-અન્ફાસ ઝિક્રનું પ્રાયોગિક ચક્ર | ||
|---|---|---|
| ક્રમ | ક્રિયા (શ્વાસની સ્થિતિ) | આધ્યાત્મિક પ્રભાવ / પરિણામ |
| ૧ | શ્વાસ અંદર ખેંચતાં | દિલમાં ‘અલ્લાહ’ ના નૂરનો પ્રવેશ |
| ૨ | શ્વાસ સ્થિર રાખતાં | સંબંધિત લતીફા પર ‘ઇસ્મે ઝાત’ ની ઝર્બ |
| ૩ | શ્વાસ બહાર છોડતાં | નફ્સના કચરા અને ગફલતનું નિષ્કાસન |
૧. શારીરિક પૂર્વતૈયારી અને બેસવાની મુદ્રા:
- સાધકે તાજું વુઝૂ કરવું, સ્વચ્છ વસ્ત્રો પહેરવા અને હળવું અત્તર લગાવવું.
- અંધારાવાળા, શાંત અને એકાંત ઓરડામાં કાબા શરીફ તરફ મોં રાખીને (કિબ્લા-રૂખ) બેસવું.
- નમાઝની જેમ ‘અત્તહિયાત’ (દિઝાનૂ) મુદ્રામાં બેસવું સર્વોત્તમ છે. શારીરિક તકલીફ હોય તો પલાંઠી વાળીને કે કુરસી પર સીધા બેસી શકાય.
- કરોડરજ્જુ ટટ્ટાર રાખવી, ગરદન સહેજ નમાવવી જેથી ધ્યાન છાતી તરફ રહે.
- બંને હાથ સાથળ પર મૂકવા, આંખો હળવેથી બંધ કરવી.
- બંને હોઠ એકબીજા સાથે મિલાવી રાખવા અને જીભને ઉપરના તાળવે ચોંટાડી રાખવી, જેથી વાણી કે જીભનું ભૌતિક હલનચલન સંપૂર્ણ અટકી જાય.
૨. ચોક્કસ આધ્યાત્મિક નિયત (Niyyah): સાધકે જીભથી કંઈ બોલવાનું નથી, પરંતુ મનોમન દિલમાં આ ભાવ બાંધવાનો છે:
“હે અલ્લાહ! મારો કોઈ સંસારી હેતુ નથી; મારો એકમાત્ર ઉદ્દેશ્ય તારી પ્રસન્નતા અને તારો પ્રેમ છે. અલ્લાહ તઆલાની પરમ પવિત્ર ઝાતમાંથી દિવ્ય ફૈઝ અને નૂર આવી રહ્યું છે, જે મારા કામિલ મુર્શિદના રોશન કલબ મારફતે મારા ફલાણા લતીફા (દા.ત. લતીફા-એ-કલબ) માં પ્રવેશી રહ્યું છે; અને તે આ કેન્દ્રના તમામ અંધકાર, પાપો અને ગફલતને ધોઈને તેને જીવંત બનાવી રહ્યું છે.”
૩. ઝિક્ર-એ-ઇસ્મે ઝાત (અલ્લાહ-અલ્લાહ) ની વિધિ:
- સાધકે પોતાની સમગ્ર ચેતના તે ચોક્કસ કેન્દ્ર (દા.ત. ડાબી છાતી નીચે કલબ) પર સ્થિર કરવી.
- જીભ હલાવ્યા વગર, મનોમન હૃદયના ઊંડાણમાંથી અત્યંત આદર અને તીવ્ર પ્રેમપૂર્વક “અલ્લાહ… અલ્લાહ… અલ્લાહ…” નો પોકાર કરવો.
- જેમ ઘડિયાળનું લોલક સતત ટિક-ટિક કરે છે, તેમ હૃદયના દરેક કુદરતી ધબકારા સાથે “અલ્લાહ” ના નામની ચોટ (ઝરબ) મારવી.
- જ્યારે શ્વાસ અંદર જાય ત્યારે અનુભવ કરવો કે “અલ્લાહ” નું દિવ્ય નૂર અંદર પ્રવેશી રહ્યું છે, અને શ્વાસ બહાર નીકળે ત્યારે અનુભવ કરવો કે અંદરનો તમામ કચરો બહાર ફેંકાઈ રહ્યો છે.
૪. ક્રમિક વિકાસ: મુર્શિદ સાધકને એકસાથે તમામ લતાઇફ પર સાધના નથી કરાવતા. સાધક અઠવાડિયા કે મહિનાઓ સુધી માત્ર લતીફા-એ-કલબ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જ્યારે કલબમાં આધ્યાત્મિક ગરમી અને હલનચલન શરૂ થાય છે, ત્યારે જ મુર્શિદ તેને લતીફા-એ-રૂહ તરફ દોરે છે. આમ ક્રમશઃ પાંચેય લતાઇફ પાર પાડવામાં આવે છે.
૮. લતાઇફ જાગૃત થવાના આંતરિક અને બાહ્ય ચિહ્નો
જ્યારે કોઈ લતીફા પર અલ્લાહનો ફૈઝ ઉતરે છે અને તે જીવંત થાય છે, ત્યારે સાધકને નીચે મુજબના ચોક્કસ સંકેતો અનુભવાય છે:
- ૧. તહર્રુક (સ્પંદન કે કંપન): સંબંધિત લતીફાના સ્થાન પર એક અસામાન્ય ધબકાર, કંપન કે સ્પંદન અનુભવાય છે, જાણે ચામડી નીચે કોઈ જીવંત પક્ષી ફફડી રહ્યું હોય.
- ૨. હરારત (આધ્યાત્મિક ઉષ્મા): તે કેન્દ્ર પર એક મીઠી, શીતળ છતાં પ્રભાવશાળી ગરમીનો અહેસાસ થાય છે. આ રુહાની ગરમી નફ્સના કચરાને બાળી નાખે છે.
- ૩. અનવારનું પ્રગટીકરણ: આંખો બંધ હોવા છતાં સાધકના અંતઃકરણમાં તે લતીફાને અનુરૂપ વિશિષ્ટ રંગો (પીળો, લાલ, સફેદ, કાળો કે લીલો) ના ચમકારા દેખાય છે.
- ૪. ઝુહ્દ અને ઇબાદતમાં સ્વાદ: દુન્યવી મોહ, ધન-દોલતનો લોભ અને વાસનાઓ આપોઆપ સુકાઈ જાય છે. નમાઝ, કુરઆનની તિલાવત અને એકાંતમાં અલ્લાહ સાથે વાતો કરવામાં પરમ આનંદ આવવા લાગે છે.
- ૫. દવામે ઝિક્ર (અવિરત સ્મરણ): સાધક સૂતો હોય, બજારમાં ચાલતો હોય કે લોકો સાથે વાત કરતો હોય, તેના તે કેન્દ્રમાંથી અંદરખાને અવિરતપણે “અલ્લાહ-અલ્લાહ” નો પ્રવાહ ચાલુ જ રહે છે.
૯. સર્વોચ્ચ મુકામ: ‘સુલતાનુલ અઝકાર’
જ્યારે આલમે અમ્રના પાંચેય લતાઇફ અને આલમે ખલ્કના પાંચેય લતાઇફ (કુલ દસ લતાઇફ) સંપૂર્ણપણે શુદ્ધ અને રોશન થઈ જાય છે, ત્યારે સાધક આધ્યાત્મિકતાના એ સર્વોચ્ચ શિખરે પહોંચે છે જેને તસવ્વુફમાં ‘સુલતાનુલ અઝકાર’ (The King of Remembrances) કહેવાય છે.
આ મુકામ પર સાધકને ઝિક્ર કરવા માટે કોઈ સભાન પ્રયત્ન કરવો પડતો નથી. તેના માથાના વાળથી લઈને પગના નખ સુધી, લોહીના પ્રત્યેક ટીપામાંથી, માંસપેશીઓમાંથી અને શરીરના કરોડો રોમ-છિદ્રોમાંથી આપોઆપ એક સાથે “અલ્લાહ… અલ્લાહ…” ની અખંડ રુહાની ગૂંજ ઉઠવા લાગે છે.
સાધકનું સમગ્ર અસ્તિત્વ એક જીવંત તસ્બીહ (માળા) બની જાય છે. તે જ્યારે ઘોર નિંદ્રામાં હોય છે, ત્યારે પણ તેનું સમગ્ર શરીર અલ્લાહના સ્મરણમાં ધબકતું હોય છે. પવિત્ર કુરઆન આ જ દિવ્ય સ્થિતિનું વર્ણન કરતાં ફરમાવે છે:
“અલ્લઝીના યઝ્કુરૂનલ્લાહા કિયામવં વ-કુઊદવં વ-અલા જુનૂબિહિમ વ-યતફક્કરૂના ફી ખલ્કિસ-સમાવાતિ વલ-અર્ઝ” અર્થાત્: “આ એ લોકો છે જે અલ્લાહનું સ્મરણ ઊભા રહેતાં, બેસતાં અને પોતાના પડખાં પર સૂતાં પણ સતત કરતા રહે છે, અને આકાશો તથા પૃથ્વીના સર્જન પર ઊંડું ચિંતન કરે છે.” (સૂરહ આલે ઇમરાન: ૧૯૧)
૧૦. સાધના દરમિયાન રાખવાની સાવચેતીઓ અને મુર્શિદની અનિવાર્યતા
લતાઇફની આ ગહન યાત્રા અત્યંત સંવેદનશીલ છે. આ સાધનામાં નીચે મુજબની સાવચેતીઓ રાખવી અત્યંત આવશ્યક છે:
- મુર્શિદ વગર સાધના ન કરવી: માત્ર પુસ્તકો વાંચીને જાતે લતાઇફ પર વધુ પડતું દબાણ લાવવું નહીં. લાયક માર્ગદર્શક વગર મગજ પર વધુ પડતું જોર આપવાથી માથાનો દુખાવો, અનિદ્રા કે માનસિક અસ્વસ્થતા થઈ શકે છે.
- રંગો અને પ્રકાશો પાછળ ન દોડવું: સાધના દરમિયાન દેખાતા રંગો એ માત્ર માર્ગના સીમાચિહ્નો છે, તે મંઝિલ નથી. સાધકનું લક્ષ્ય રંગો જોવા નહીં, પરંતુ અલ્લાહની પ્રસન્નતા પ્રાપ્ત કરવાનું હોવું જોઈએ.
- અહંકારથી બચવું: જ્યારે શરીરમાં સ્પંદન કે નૂર દેખાવા લાગે, ત્યારે નફ્સમાં એવો અહંકાર આવી શકે છે કે “હું કોઈ પહોંચેલી હસ્તી બની ગયો છું.” આ શૈતાનનો સૌથી મોટો ફંદો છે. સાધકે પોતાની જાતને હંમેશા ગુનેગાર અને કંગાળ જ સમજવી જોઈએ.
- હલાલ અન્ન અને સુન્નતની પાબંદી: જો આહારમાં હરામ અંશ આવી જશે તો ચાલુ ઝિક્ર બંધ થઈ જશે અને લતાઇફ ફરી અંધકારમય બની જશે.
ઉપસંહાર: ૧૪ મુરાકબાઓનું પ્રવેશદ્વાર
માનવ અસ્તિત્વના દસ લતાઇફ એ ખરેખર તો ખુદા સુધી પહોંચવાના દસ ગુપ્ત દરવાજા છે. જ્યારે નક્ષબંદી મુજદ્દિદી પદ્ધતિ દ્વારા આ લતાઇફ શુદ્ધ થઈને આલમે અમ્ર તરફ ઊર્ધ્વગમન કરે છે, ત્યારે સાધક ભૌતિકતાના કળણમાંથી મુક્ત થઈને સંપૂર્ણ આધ્યાત્મિક માનવી (ઇન્સાને કામિલ) બનવાની દિશામાં આગળ વધે છે.
લતાઇફે ખમ્સાની આ પાયાની સાધના પૂર્ણ થયા પછી જ સાધક માટે ઈમામ રબ્બાની (રહમતુલ્લાહ અલયહિ) ના ૧૪ મુરાકબાઓની યાત્રા વિધિવત રીતે શરૂ થાય છે. આ આધ્યાત્મિક શૃંખલાના હવે પછીના લેખ (મુરાકબાતે મુજદ્દિદિયા: ભાગ-૧) માં આપણે ‘સૈરે વિલાયતે સુગરા’ ના સર્વપ્રથમ અને સૌથી પાયાના મુકામ ‘મુરાકબા-એ-અહદિયત’ ની સંપૂર્ણ વિધિ, મક્તૂબાત શરીફ ના મૂળ ફારસી સંદર્ભો અને લતીફા-એ-કલબ પર તેના પ્રાયોગિક અમલનું વિગતવાર અધ્યયન કરીશું.
