૧. પ્રસ્તાવના: કરબલાનું અસલ મિશન અને ઇસ્લાહ (સુધારાવાદ)
ઇસ્લામિક ઇતિહાસના પ્રામાણિક સ્રોતો સાક્ષી છે કે ૨જી મોહરમ, ૬૧ હિજરીના રોજ જ્યારે ઈમામ હુસૈન ઇબ્ને અલી (રદીઅલ્લાહો અનહુ) નો પવિત્ર કાફલો કરબલાની ધરતી પર ઉતર્યો, ત્યારે તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય ઇસ્લામના અસલ સ્વરૂપની રક્ષા અને સમાજમાં વ્યાપેલી યઝીદી વિકૃતિઓ સામે ‘ઇસ્લાહ’ (સુધારાવાદ) કરવાનો હતો. ઈમામ આલી-મકામે શરીઅતની અખંડિતતા કાયમ રાખવા માટે પોતાનું બલિદાન આપ્યું, પરંતુ ઇસ્લામના કાનૂન (શરીઅત) માં કોઈ પણ પ્રકારની નવીનતા કે ગેર-શરઈ પ્રથાઓને ક્યારેય મંજૂરી ન આપી.
સમયના આ જ પવિત્ર ચક્રમાં, ૨જી મોહરમના આ જ મુબારક દિવસે કચ્છની ધરતી પર ઇલ્મ અને શરીઅતના એવા એક પહરેદારનો જન્મ થયો, જેમણે આજીવન કરબલાના એ સાચા મિશન એટલે કે ‘દીનની શુદ્ધતા અને ગેર-શરઈ પ્રથાઓના વિરોધ’ ને પોતાનું જીવનધ્યેય બનાવ્યું. તે વિભૂતિ એટલે મુફ્તી-એ-આઝમ કચ્છ હઝરત પીર સૈયદ અહમદશાહ બુખારી (અલયહિર રહમા).
૨. માંડવીની કાંઠાવાળી મસ્જિદ: તાજીયા અને ગેર-શરઈ કાર્યોનો શરઈ વિરોધ
મુફ્તી-એ-કચ્છ (અલયહિર રહમા) એ જીવનપર્યંત માંડવીની કાંઠાવાળી મસ્જિદ પરથી મોહરમની પવિત્ર મજલિસોમાં અહલે સુન્નત વલ જમાઅતની સનાતન વિચારધારા અનુસાર લોકોને સાચો માર્ગ ચિંધ્યો હતો. તેઓ એક પ્રખર ફકીહ (ઇસ્લામિક કાનૂનવિદ) હતા, જેમણે ભાવનાઓ કે લોકલાગણીના વહેણમાં વહ્યા વગર લોકોને હંમેશા કુરાન, હદીસ અને બરેલવી ફિકહના આલોકમાં આયના-એ-શરીઅત બતાવ્યો.
તેમણે તે મજલિસોમાં સચોટ સંદર્ભો અને દલીલો સાથે લોકોને સમજાવ્યું હતું કે મોહરમ એ માતમ, ઢોલ-નગારા, સર્કસ, રસ્તાઓ રોકવા કે શરીઅત વિરુદ્ધના ભવ્ય પ્રદર્શનો (તાજીયાદારી) નો માસ નથી, પરંતુ તે ઇબાદત, સબ્ર, અને ઈસાલે-સવાબનો પવિત્ર અવસર છે. તેમણે આલા હઝરત ઇમામ અહમદ રઝા ખાન (રહેમતુલ્લાહ અલયહિ) ના ‘ફતાવા રઝવિયા’ ના પ્રકાશમાં સ્પષ્ટ કર્યું હતું કે પ્રવર્તમાન તાજીયાદારીની રૂઢિઓ ઇસ્લામિક શરિયત સાથે સુસંગત નથી. તેમનો આજીવન સંઘર્ષ એ જ હતો કે મુસ્લિમ અવામ આ તમામ કુપ્રથાઓમાંથી બહાર નીકળીને ઇસ્લામની સાચી અને શુદ્ધ કાનૂની મર્યાદાઓનું પાલન કરે.
૩. વર્તમાન પડકારો: કુપ્રથાઓનું પુનરાવર્તન અને ચિંતાજનક વલણ
પરંતુ, અત્યંત ખેદ સાથે નોંધવું પડે છે કે મુફ્તી-એ-કચ્છ જેવા જ્ઞાનના સ્તંભના પડદો ફરમાવ્યા બાદ, સમાજમાં એ જ ઇસ્લામ વિરોધી પ્રથાઓએ ફરી પાછું માથું ઊંચક્યું છે. આજે ચિંતાજનક બાબત એ છે કે, સમાજને સાચો શરઈ આદેશ આપવાને બદલે અમુક કહેવાતા મૌલવીઓ અને પીરો પણ માત્ર અવામની વાહ-વાહ કે દુન્યવી લાલચો ખાતર આ ગેર-શરઈ કાર્યોને પ્રોત્સાહન કે મૌન મંજૂરી આપી રહ્યા છે. આ વલણ મુફ્તી-એ-કચ્છની આજીવનની મહેનત અને તેમના સુધારાવાદી વારસાની વિરુદ્ધ છે.
આ વિષય પર જ્યારે સલાયાના અગ્રણી વડીલ હાજી યુનુસ ટાના સાથે વિચાર-વિમર્શ થયો, ત્યારે તેમણે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે:
“મુફ્તી સાહેબના સમયમાં જે માત્ર પ્રતીકાત્મક માળખું હતું, તે હવે અત્યંત ભવ્ય, ભપકાદાર અને અતિરેકથી ભરેલા દેખાડાના સ્વરૂપમાં પરિવર્તિત થઈ ગયું છે, જેમાં શરીઅતની સરહદો સ્પષ્ટપણે ઓળંગવામાં આવે છે.”
જો આ પ્રથાઓ પર અત્યારે લગામ લગાડવામાં નહીં આવે, તો ભવિષ્યમાં ઇસ્લામનો અસલ ચહેરો મટીને આ અંધશ્રદ્ધાઓ જ દીનનું સ્વરૂપ લઈ લેશે, જે ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત જોખમી સાબિત થશે.
૪. ખાનકાહની જવાબદારી અને સત્તાવાર શરઈ ગાઈડલાઈનની માંગ
જેવી રીતે દેશની કેન્દ્રીય સુન્ની સંસ્થાઓ દર વર્ષે મોહરમ નિમિત્તે શરીઅતની ગાઈડલાઈન્સ (માર્ગદર્શિકા) બહાર પાડે છે, તેવી જ રીતે સમયની માંગ છે કે મુફ્તી-એ-કચ્છની ખાનકાહ (દરગાહ શરીફ) માંથી પણ દર વર્ષે આવી સત્તાવાર ઇસ્લામિક ગાઈડલાઈન લેખિત સ્વરૂપમાં જાહેર થવી જોઈએ.
આ સત્તાવાર માર્ગદર્શિકા દ્વારા જ મુફ્તી સાહેબની ઇલ્મી પરંપરા અને કુપ્રથાઓ વિરુદ્ધના ફતવા-વારસાને જીવંત રાખી શકાશે. આનાથી સામાન્ય મુસ્લિમ સમાજ અફવાઓ અને ગેર-શરઈ કૃત્યોથી બચી શકશે.૫. ખિરાજ-એ-અકીદત
હઝરત પીર સૈયદ અહમદશાહ બુખારી સાહેબ અલયહિર રહેમા જેવા સુધારાવાદી યોદ્ધાઓ સદીઓમાં માંડ એકાદ વાર જ જન્મ લેતા હોય છે. અલ્લામા ઇકબાલનો આ અમર શેર તેમના આવા જ ગરિમાપૂર્ણ અને જ્ઞાનાત્મક વ્યક્તિત્વ પર એકદમ સચોટ બેસે છે:
हज़ारों साल नर्गिस अपनी बे-नूरी पे रोती है
बड़ी मुश्किल से होता है चमन में दीदा-वर पैदा
તેથી, વર્તમાન સમયના તમામ હકગો (સત્ય વક્તા) આલિમો અને મુફ્તીઓની એ સાચી શરઈ ફરજ બને છે કે તેઓ આ મોહરમ વિરોધી અને ઇસ્લામ વિરોધી પ્રથાઓ વિરુદ્ધ અવાજ ઉઠાવે, લોકોને સાચી શરીઅત સમજાવે તો જ આપણે મુફ્તી-એ-કચ્છને સાચી ખિરાજ-એ-અકીદત પેશ કરી ગણાશે.યૌમે પેદાઈશની મુબારક ઘડીયે અકીદતમંદાનાં સલામ
